અંગ્રેજી ભાષાનો હું વિરોધી નથી. હું તો ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયો છું. પણ, મને માતૃભાષાની અવદશા પીડે છે. ગુજરાતી ભાષા માટેનો પ્રેમ છલકાવતા તમામ બ્લોગ લેખકોને મારી સલામ. પણ, સાથો સાથ, એના બહુ ઓછા પ્રતિભાવ મળે તેથી નિરાશ પણ શાને થવું? માતૃભાષા પ્રત્યે આદર ધરાવનારા હોય, પણ પ્રતિભાવ આપવામાં ઉદાસીન હોય, એમની અન્ય કોઇ વ્યસ્તતાય હોય!
જરુરી છે માત્ર ગુજરાતી ભાષાના સામર્થ્યના સ્વીકારની. આ ભાષાની પ્રત્યાયન ક્ષમતાના સ્વીકારની. પ્રત્યાયન ક્ષમતા = Capability of Communication. સમજાયું ને! ગુજરાતી ને "અઘરું" કરી ને મારવું નથી. જીવંત ભાષામાં તો અનેક નવા શબ્દો ઉમેરાય, ને જુના વિસરાય! ને એમ ભાષા વહેતી જાય. અંગ્રેજીમાં શિક્ષણનો વિરોધ છે, અંગ્રેજીના શિક્ષણનો આવકાર છે. બાળકને માંનો મહિમા કેહવો પડે, કારણ કે, માં એટલી હાથવગી છે ને કે એની મહત્તા સમજાતી નથી. માતૃભાષાનું ય એવું હોત તો ચાલત - પણ, અહિં તો એના સંતાનો - ભાષકો - એને ભૂલવા ઉતવળા થયા છે, ને એનો પરિચય થાય તેવા સંજોગો ય ઘટી રહ્યા છે. એટલે જ આ કલમ ઉપાડી છે! જોઇએ કેટલી ચાલે છે!!!